Menu

બધી જ દવા “દવા” નથી હોતી..(આયુર્વેદ દવા ના નામે ધીંગાણું)

ભુજ માં જ રહેતા જતીન ભાઈ થોડા દિવસ પહેલા મારા ક્લિનિક પર આવ્યા અને જાણે પોતાને મળી ગયેલી કોઈ જાદુઇ ચીજ બતાવી રહ્યા હોય તે રીતે ખુશી થી તેમના પોટલાં માથી એક પ્લાસ્ટિક ની કોથળી માં રાખેલી અમુક ગોળીઓ બતાવવા લાગ્યા. મારી સામે જોઈ એક સ્મિત વેરયું અને જાણે મને કોઈ મંત્ર શીખવાડતા હોય એમ કહેવા લાગ્યા કે “સાહેબ ! આ ગોળીઓ હું થોડા દિવસ પહેલા જ નજીક ના ગામડા માં મોટું નામ ધરાવતા એક ‘વૈધ’ પાસેથી લઈ આવ્યો છું. ગજબ ની દેશી દવા છે. એક જ દિવસ માં મારા સાંધા નો દુખાવો ગાયબ થઈ ગયો. આ પહેલા હું ઊભો પણ બહુ રહી શકતો નહીં પણ હવે આ દવા લીધા પછી થોડા કલાકો બાદ જ હું દોડતો થઈ ગયો. એ વૈધરાજ ની સલાહ છે કે ગોળીઓ ચાલુ જ રાખવી. તમે પણ જો આવી કોઈ દેશી દવા શોધી લ્યો તો ક્લિનિક ની બહાર લોકો લાઇન લગાવશે.” એમની નાદાની પર મને હસવું આવ્યું, પણ મે રોક્યું અને એમની એ મહાન દેશી દવા તરફ નજર કરી. ગુલાબી, લીલી, સફેદ જવ ના દાણા જેવી અને ભૂખરી એમ ચારેક પ્રકાર ની હાથે થી જાણે ગોળ વાળીને બનાવી હોય તેવી એ ગોળીઓ જોતાં જ ખ્યાલ આવી ગયો કે એ કોઈ દેશી દવાઓ નથી પણ આયુર્વેદિક કે દેશી ના નામે વેંચાતી પેઇન કિલર કે એ થી પણ વધુ પાવર ધરાવતી સ્ટેરોઇડ્સયુક્ત દવાઓ હોઈ શકે. આ દવાઓ ની સાઇડ ઇફેક્ટ્સ અને કુખ્યાતિ ને જોતાં મારી કલમ આ વિષય તરફ દોડતી થઈ ગઈ.

આજ ના સમય માં જ્યારે આયુર્વેદિક દવાઓ નું ચલણ વધતું જાય છે ત્યારે મેટ્રિક પણ પાસ ન કર્યું હોય તેવા આપણાં આરોગ્ય ના રક્ષક બની બેઠેલા ઊંટવૈદો નો સમુદાય પોતાનું માથું ઊંચું કરી રહ્યો છે અને દુર્ભાગ્યવશ સમાજ નો દરેક કક્ષા ની વ્યક્તિ જાણે અજાણે, અજ્ઞાનવશ આવા ધુતારાઓ પાસે પોતાના જીવન માટે સૌથી અગત્ય ના એવા તેમના શરીર માટે ઉપચારો કરાવી રહી છે. હાસ્યાસ્પદ સ્થિતિ તો એવી છે કે આપણે સામાન્ય ખરીદીઓ કરવા જઈશું તો પણ એક એક વસ્તુ બરોબર જોઈને, પારખીને લેશું અને અહી પડિકા માં પેક કરીને આપી દીધેલી દવા વિષે કોઈ પ્રશ્ન પણ નહીં કરીએ!! હવે થોડું જાણીએ આ દવાઓ વિશે. કચ્છ ના દરેક ગામડાઓ માં તથા શહેરો માં આયુર્વેદ ની ડિગ્રી લીધા વિના ના અને પોતાને વૈદ્ય ગણાવતા લોકો દ્વારા ખાસ કરીને વિવિધ પ્રકારના દુખાવાઓ માટે આ પ્રકારની દવાઓ દેશી દવાઓ તરીકે આપવા માં આવેછે. આપણાં માથી ઘણાખરા લોકો એ ઉપર જણાવેલી ગુલાબી,ભૂખરી,સફેદ અને લીલા જેવા રંગો વાળી ગોળીઓ જોઈ જ હશે જેમના પર નથી કોઈ નામ કે નથી આપવા માં આવી ઉપયોગ સંબંધિત કોઈ સૂચનાઓ કે એમાં ઉમેરવા માં આવેલ દવાઓ ની માહિતી. હકીકત માં આ દવાઓ માં સ્ટીરોઇડ્સ ઉમેરવા માં આવે છે. સ્ટેરોઈડ દવાઓ વિવિધ પ્રકારની હોયછે, પણ સરળ ભાષા માં સમજીએ તો માણસ ને મરતો બચાવવા આ દવાઓ ની શોધ થઈ પરંતુ મૂત્રપિંડ(કિડની) યકૃત (લિવર) પર જોવા મળતિ તેની આડ અસરો ને કારણે તેનો ઉપયોગ એલોપથી માં પણ અત્યંત આવશ્યક હોય ત્યારે જ કરવા માં આવે છે. બીજું કે આ દવાઓ આ ઊંટવૈદો દ્વારા સવાર સાંજ મનફાવે એવા ડોઝ માં જે રીતે આપવા માં આવે છે એ પ્રકારે તેનો ઉપયોગ તબીબી શાસ્ત્ર માં જાણાવાયો જ નથી. તમને દુખતું મટે છે એટ્લે તમે એ લેવાનું શરૂ કરી દો છો પણ તમે એ જાણતા નથી કે તમારા શરીર ના સૌથી અગત્ય ના દરેક અવયવ ને તમે નબળા પાડી રહ્યા છો અને આમ ઝિંદગી નો સમય ઓછો કરી રહ્યા છો. “દુખ અથવા પેઇન” એ ઈશ્વર દ્વારા શરીર ને મળેલું વરદાન છે કે જેના દ્વારા જ આપણને ખ્યાલ આવે છે કે શરીર નો કોઈ અવયવ બીમાર છે અથવા અસામાન્ય અવસ્થા માં છે અને આપણે તેને સાજો કરવાનો છે. હા ! એ જ્યારે અમુક કક્ષા થી વધી જાય ત્યારે તેનું શમન ના થાય તો એના ગંભીર પરિણામો આવે એ અલગ વાત છે. જો દુખશે નહીં તો આપણે પોતાની જાત ને પણ નહીં ગણકારીએ. સ્ટેરોઇડ્સ ની સાથે તેમાં પેઇનકીલર દવાઓ પણ ઉમેરવા માં આવેછે. હવે આ પેઇન કિલર દવાઓ મગજ ને દુખાવા ના સિગ્નલ પહોચાડતા જ્ઞાનતંતુઓ ને શાંત કરી દે છે અને જેથી આપણ ને દુખતું બંધ થઈ જાય છે, પરંતુ જેને કારણે દુખાવો થયો એ કારણ તો ત્યાં જ ઊભું છે. એનો કોઈ ઉપચાર થતો નથી અને જેથી ક્યારેક પરિસ્થિતી વધુ ખરાબ થાય છે.

અહી સવાલ ફક્ત આ ઊંટવૈદો ની “માલ પ્રેક્ટિસ” નો જ નથી,પરંતુ સમાજ માં આયુર્વેદ જેવા આરોગ્ય શાસ્ત્રો માટે પ્રવર્તતી ગેરમાન્યતાઓ નો પણ છે. આપણે આયુર્વેદ ને બહુ “ઇઝી ગોઇંગ” સમજી લીધું છે અને જેથી જ આવા લોકો પાસે જતાં આપણને ડર નથી લાગતો અને “દેશી” કે “આયુર્વેદિક” ના નામે કઇપણ લેવાનું શરૂ કરી દઈએ છીએ. કોઈપણ વૈદ (આજના યુગ માં આયુર્વેદ ડોક્ટર) પાસે જાઓ એટ્લે પહેલા એને પૂછો કે એમની પાસે બી.એ.એમ.એસ. કે એમ.ડી. (આયુર્વેદ) જેવી કોઈ ડિગ્રી છે કે બસ એમ જ બે ચાર આયુર્વેદ ના ગ્રંથો વાંચીને પોતાને વૈદ ગણાવે છે !! આવા તો ઘણા મુદ્દાઓ આજે આયુર્વેદ ના વિકાસ અને તેને સાચી રીતે સમાજ સુધી પહોચાડવા માં નડતર બની રહ્યા છે. આ વાત નું તાજું ઉદાહરણ હાલ માં જ મુન્દ્રા માં બની ગયેલો કિસ્સો છે કે જ્યા આયુર્વેદિક દવા નાં નામે વેચાતા કેફી પીણાનાં સેવન થી એક યુવાને જીવ ગુમાવ્યો. આવી કઈક દવાઓ આજે ગામે ગામ પ્રસિદ્ધ બની રહેલી છે અને આયુર્વેદ જેવા મહાન જ્ઞાન નાં નામ નો દુરુપયોગ કરીને લાલચુ ધંધાર્થીઓ લાખો ની કમાણી કરે છે અને સમાજ નાં અમૂલ્ય આરોગ્ય ને જોખમ માં નાખે છે. એક તરફ આપણે સામાજિક આરોગ્ય ને વધુ ને વધુ સારું બનાવવા નવા નવા નિયમો લાગુ કરતાં જઈએ છીએ અને બીજી તરફ આવી જોખમી દવાઓ બેરોકટોક વેંચાઈ રહી છે જે વાત નો સમગ્ર આયુર્વેદ સમાજ ને ખેદ છે .

Share :